ભારે વરસાદને પગલે ગુજરાતના ૩૮૮ રસ્તાઓ બંધ: હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF સહિતની ટીમો તૈનાત છે. રાજ્યના વલસાડ, નવસારી, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આ વરસાદમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ 272થી વધુ પશુના મોત થયા છે. ભારે વરસાદે ગુજરાતને ઘમરોળ્યું છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સાંબેલાધાર વરસાદને કારણે 388 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. અમદાવાદ, વલસાડ, નવસારી અને ડાંગ સહિત રાજ્યના છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડમાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને કારણે ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે, તેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જિલ્લા કલેક્ટરો સાથે મહત્વની બેઠક યોજીને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રવિવારે આશરે 1,500 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

ભારે વરસાદને કારણે વડોદરાના પ્રતાપનગર અને છોટા ઉદેપુર જિલ્લા વચ્ચેની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. પ્રતાપનગર-છોટા ઉદેપુર સેક્શન પર બોડેલી અને પાવી જેતપુર વચ્ચેનો ટ્રેક આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો. રેલ્વે વિભાગના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09169 પ્રતાપનગર-છોટા ઉદેપુર પેસેન્જર અને ટ્રેન નંબર 09170 છોટા ઉદેપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેક ધોવાઈ ગયા બાદ રદ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *