જુમ્માની નમાઝ બાદ અમદાવાદ વડોદરા સહિત અન્ય શહેરોમાં નૂપુર શર્માના નિવેદન સામે મુસ્લિમ બિરાદરોએ વિરોધ પ્રદર્શન કર્યા.
વડોદરા/અમદાવાદ: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આગામી 18 જૂનના રોજ તેઓ વડોદરા આવશે. પીએમ મોદીની વડોદરાની મુલાકાત પહેલા ભાજપના પુર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ શહેરમાં તેજ બની રહ્યો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે વડોદરાના મચ્છી પીઠમાં નવાબવાડા પાસે નુપુર શર્મા અને નવીન જિંદાલના ફોટો પર જૂનાનું નિશાન મારેલા પોસ્ટર રસ્તા પર લગાડવામાં આવ્યા હતા. જે બાદ બપોરે શહેરના ગોરવા વિસ્તારમાં નુપુર શર્માની ધરપકડ કરવાના પોસ્ટર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કર્યો હતો, જ્યારે આશરે ૩વાગ્યા ની આસપાસ અમદાવાદ ના દરિયાપુર ખાતે પણ વિરોધ પ્રદર્શન નોંધાયા હતાં.
આજે વડોદરામાં એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં જુમ્માની નમાઝ બાદ વિરોધ માટે એકત્ર થવાનું જણાવવામાં આવ્યું હતું. મેસેજ વાયરલ થતાની સાથે જ વડોદરા પોલીસ તથા વિવિધ બ્રાન્ચ SOG, PCB, DCB, સહિતનાનો સ્ટાફ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં ગોઠવાઇ ગયો હતો. અને કોઇ પણ પ્રકારની અનઇચ્છનિય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ શરૂ કરી દેવામં આવ્યું હતું. તેવામાં આજે બપોરે પ્રથમ શહેરના ગોરવા વિસ્તાર અને ત્યાર બાદ શહેરના તાંદલજા વિસ્તારમાં નુપુર શર્માનો વિરોધ કરવા માટે રેલીનું આયોજન કરવા લોકો એકત્ર થયા હતા. ગોરવા વિસ્તારમાં લોકો એકત્ર થતા જ પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કરી દીધો હતો. તો તાંદલજામાં પુતળા સાથે વિરોધ કરવામાં આવ્યો છે. પીએમ મોદીની વડોદરાની મુલાકાતને જુજ દિવસો બાકી છે ત્યારે શહેરમાં નુપુર શર્માનો વિરોધ તેજ બન્યો છે. જે હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. ગુજરાતમાં નવસારી અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપનાર છે. આગામી 18 જૂનના રોજ પીએમ મોદી પાવાગઢ અને વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં આયોજિત સભાનો સંબોધશે. વડોદરામાં પીએમ મોદીના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના રોડ શોનો રૂટ એક વખત બદલી નાંખવામાં આવ્યો હતો. ગતરોજ બિનસત્તાવાર માહિતી મુજબ રોડ-શો રદ્દ કરી દેવામાં આવ્યો છે. હવે પીએમ મોદી માત્ર સભાને જ સંબોધશે. આ સિલસિલા વચ્ચે આજે વિવાદીત ટીપ્પણી બાદ ભાજપમાંથી કાઢી મુકાયેલા નુપુર શર્માનો વિરોધ વડોદરામાં તેજ બન્યો છે. પ્રથમ રોડ પર પોસ્ટર લગાડવામાં આવ્યા બાદ હવે લોકો એકત્ર થઇને રેલીનું આયોજન કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.