યુ.કે.થી વડોદરા આવેલી યુવતીને ઓમિક્રોન હોવાની પુષ્ટિ: વડોદરામાં કુલ ત્રણ કેસ.

વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં દુનિયામાં હાહાકાર મચાવનારા કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આજે વડોદરામાં યુકેથી આવેલી મહિલા ઓમિક્રોન પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયું છે. આમ વડોદરામાં ઓમિક્રોન પોઝીટીવના ત્રણ કેસ અત્યાર સુધી નોંધાઇ ચુક્યા છે. હવે વડોદરાવાસીઓએ વધારે તકેદારી રાખવી પડશે.

કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટે દુનિયાભરમાં ભારે ચકચાર મચાવી છે. કોરોનાના અગાઉના વેરીયન્ટની સરખામણીએ ઓમિક્રોન વેરીયન્ટ વધારે તિવ્રતાથી ફેલાતો હોવાના કારણે આ વેરીયન્ટનો ભારે ખોફ છે. તમામ તકેદારીઓ વચ્ચે ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. અગાઉ વડોદરામાં નોન હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા બે વૃદ્ધોનો ઓમિક્રોન પોઝીટીવ આવ્યો હતો. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે આજરોજ ત્રીજો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.

આજરોજ ઓમિક્રોન પોઝીટીવ આવેલા કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તાંદલજા વિસ્તારમાં રહેતી 27 વર્ષિય યુવતિ 13 ડિસેમ્બરના રોજ યુકેથી રિટર્ન થઇ હતી. મુંબઇ એરપોર્ટ પર તેણીનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. અહિંયા આવ્યાના બીજા દિવસે તેણીનો રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેણીના સેમ્પલને જીનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા. આજરોજ તેણીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

યુવતિ હાઇ રિસ્ક કન્ટ્રીમાંથી આવતી હોવાના કારણે તેણીને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી હતી. તેણીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 2 લોકોના રિપોર્ટ 15 ડિસેમ્બરના રોજ નેગેટીવ આવ્યા હતા. આજરોજ વધુ એક વખત ક્લોઝ કોન્ટેક્ટના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. હાલની સ્થિતીએ યુવતિમાં લક્ષણો જોવા મળતા નથી. અને તેણીને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવી છે. યુકે સહિતા 14 દેશોને ઓમિક્રોન માટે હાઇરિસ્ક કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.