એમ્સના ડાયરેકટરે કોવિડની ત્રીજી લહેર વિશે આપ્યું આવું નિવેદન.
ભારતમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે નબળુ પડી રહ્યું છે. બે મહિના કરતાં વધુ સમયથી દેશમાં પ્રતિદિન કોરોના સંક્રમણના 50 હજારથી ઓછા નવા કેસો સામે આવી રહ્યાં છે. એવામાં દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.
ડૉ ગુલેરિયાનું કહેવું છે કે, કોરોના વાઈરસ હવે મહામારી નથી રહી. જો કે હજુ પણ લોકોએ જાગૃત રહેવાની જરૂર છે અને કોરોના વૅક્સિન ના લેવાય, ત્યાં સુધી વધારે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ભીડભાડથી બચવું જોઈએ.
ત્રીજી લહેરનો ખતરો ટળ્યો
એઈમ્સ ડિરેક્ટરનું કહેવું છે કે, “ભારતમાં હવે પ્રતિદિન 25 થી 40 હજારની વચ્ચે નવા પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. જો લોકો કોવિડ ગાઈડલાઈન્સનું સખ્તીથી પાલન કરશે, તો સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે ઓછી થતી રહેશે.
દેશમાં કોરોના ક્યારેય ખતમ નહીં થાય, પરંતુ જે પ્રકારે વૅક્સિનેશન અભિયાન વેગ પકડી રહ્યું છે, તેને જોતા કોરોના હવે મહામારી બનીને મોટા પાયે ફેલાય તેવી શક્યતા ઘણી જ ઓછી છે. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો ટળી ગયો છે.”
બીમાર લોકોને સતર્ક રહેવાની જરૂર
વધુમાં તેમણે જણાવ્યું કે, “કોરોના સામેની જંગ જીતવા માટે સરકાર પણ વૅક્સિનેશન પર ખાસ ધ્યાન આપી રહી છે. હવે એ દિવસો દૂર નથી, જ્યારે કોરોના વાઈરસ સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય શરદી, ખાંસી અને તાવની જેમ થઈ જશે, કારણ કે લોકોમાં હવે કોરોના વાઈરસ વિરુદ્ધ ઈમ્યુનિટી તૈયાર થઈ ચૂકી છે. જો કે બીમાર અને નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકોને આ સંક્રમણનું જોખમ રહેશે.”
એઈમ્સ ડિરેક્ટરનું કહેવું છે કે, “કોરોના મહામારીથી બચવા માટે કોવિડ ગાઈડલાન્સનું પાલન કરવું અને કોરોના વૅક્સિનેશન ખૂબ જ જરૂરી છે. ભારતમાં દરેકને વૅક્સિનેશન બાદ જ કોરોના મહામારીમાંથી રાહત મળશે. વૅક્સિનેશન બાદ પણ બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવો જોઈએ. થોડા સમય બાદ ખૂબ જ બીમાર, સિનિયર સિટીઝનો તેમને નબળી રોગ પ્રતિકારકશક્તિ ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે.
આ સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે, બૂસ્ટર ડોઝ એ વૅક્સિનનો જ લાગવો જોઈએ, જે વ્યક્તિએ પહેલા લીધી હોય. જો કે આ મામલે એક પૉલિસી બનાવવામાં આવશે. હાલ કોરોનાથી ડરવાની જરૂર નથી, માત્ર ગાઈડલાઈનનું સખ્તીથી પાલન કરવું જરૂરી છે.”