ખુદ ગુજરાત ભાજપે જ આત્મનિર્ભર ભારતનો છેદ ઉડાડયો: પ્રદેશ કારોબારીમાં ચાઇનીઝ ટેબ્લેટ અપાયા.
ટેબલેટ ખરીદવા ભારતીય કંપની જ પસંદ પડી નહીં, હજુ વધુ 10 હજાર ચાઇનીઝ ટેબલેટ ખરીદવા તૈયારીઓ
અમદાવાદ : ભારતીય સરહદો પર કબજો જમાવવા ઇચ્છુક ચીનની કાળી કરતૂતો અજમાવી રહ્યુ છે. ચીનની નાપાક હકતોથી ભારતીયો લાલઘૂમ છે પણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ચાઇના પ્રેમ જાણે છલકાઇ રહ્યો હોય તેવુ પ્રસૃથાપિત થયુ છે કેમકે, લોકોને ચીનની ચીજવસ્તુનો બહિષ્કાર કરવાની સુફિયાણી સલાહ આપનારાં પાટીલે કેવડિયા કોલોની ખાતે આયોજીત પ્રદેશ ભાજપની કારોબારીમાં ચાઇનીઝ ટેબલેટનુ વિતરણ કર્યુ હતું .જે ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપની બેધારી નીતિ, એક બાજુ બહિષ્કાર કરવાનોને બીજી બાજુ વસ્તુઓ ખરીદવાની
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે જેના ભાગરૂપે સાંસદો, ધારાસભ્યોથી માંડીને ભાજપના હોદ્દેદારોને અત્યારથી જ ચૂંટણી કામે લગાડવામાં આવ્યા છે. એટલુ જ નહીં, ભાજપના બધાય નેતાઓ પર હવે ટેબલેટના માધ્યમથી વોચ રાખવામાં આવશે. ડીજીટલાઇઝેશનના બહાને હવે પાટીલ કમલમમાં બેઠા બેઠા ધારાસભ્યો,સાંસદો અને હોદ્દેદારો પર નજર રાખશે. ટેબલેટના માધ્યમથી કોણે પક્ષ માટે કેટલુ ંકામ કર્યુ તેનો હિસાબ રાખવામાં આવશે.
કેવડિયા કોલોની ખાતે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં સરંક્ષણપ્રધાન રાજનાથ સિંહના હસ્તે ગુજરાત ડિજીટલ પ્રોજેક્ટનુ લોન્ચિંગ કરાયુ હતું. તે વખેત સાંસદો,ધારાસભ્યો અને હોદ્દેદારોને 700 ચાઇનીઝ ટેલબેટ અપાયા હતાં. સરહદે ઉંબાડીયુ કરતાં ચીન મુદદે વિરોધ કરનારાં ભાજપના નેતાઓ જ ચાઇનીઝ ચીજવસ્તુઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
પ્રદેશ કારોબારીમાં જ આત્મનિર્ભરની જોરશોરથી વાતો કરવામાં આવી હતી અને ભાજપે જ આત્મનિર્ભરનો જાણે છેડ ઉડાડી દીધો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખને ભારતની એકેય કંપનીના ટેબલેટ જ પસંદ આવ્યા નહી. પાટીલે જ ચાઇનીઝ ટેબલેટની પસંદગી કરી હતી. આમ,ડાહી સાસરે જાય નહીંને ગાંડીને શિખામણ આપે તેવો ઘાટ સર્જાયો છે.
હજુ તો ગુજરાત ભાજપ આ પ્રોજેક્ટને છેક જિલ્લા-તાલુકા સુધી લઇ જવા માંગે છે . આગામી દિવસોમાં વધુ 10 હજાર ચાઇનીઝ ટેલબેટ ખરીદવા પણ તૈયારી કરાઇ છે. આમ, પાટીલનો ચાઇના પ્રેમ છતો થયો છે. ભાજપની બેધારી નીતિ હવે ખુલ્લી પડી છે કેમકે, લોકોને ચીનની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા અપીલ કરવાનીને ખુદ ચાઇનીઝ વસ્તુઓની ખરીદવાની. ટૂંકમાં, ગુજરાત ભાજપ ચાઇનીઝ મોડેલ ડીજીટલ બન્યુ હોય તેમ લાગી રહ્યુ છે.