મનપા ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ શહેર અને પ્રદેશ કક્ષાએ રાજીનામાની ભરમાર.

ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર જોવા મળી રહી છે, ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે, જ્યાં કોંગ્રેસના ખાતામાં હજુ સુધી એકપણ બેઠક આવી નથી. કોંગ્રેસની આ હારનો સ્વીકાર કોંગ્રેસના નેતાઓ પણ હવે કરી રહ્યા છે, ત્યારે સુરત શહેર પ્રદેશ પ્રમુખ બાબુ રાયકાએ પોતાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું આપી દીધું છે.

બાબુ રાયકાએ પોતાના રાજીનામામાં લખ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મને ઘણું બધું આપ્યું છે, જે માટે પક્ષનો અને કેન્દ્રીય નેતાગણનો હું ઘણો આભારી છું. મેં શક્ય તેટલી પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મુલ્યો અને જીવનના મુલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે, પરંતુ તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જનતાએ આપેલા જનાદેશને ધ્યાને રાખીને મનપાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી હું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું.આ ઉપરાંત વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પણ રાજીનામુ આપી દીધું છે.

આ સિવાય અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે પણ રાજીનામું આપી દીધું છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવારની સામે હારી ગયા. રાજકોટમાં વોર્ડ નંબર 7, 10 અને 13માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અશોક ડાંગર ચૂંટણીમાં હારી જતા તેમણે શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *