ભાજપના શાસનમાં નીતિન પટેલની હાજરીમાં ગુરુ પ્રસાદ સ્વામિએ કહ્યું, અમદાવાદ અને સુરત જોઈએ છીએ ત્યારે વડોદરા માટે આંતરડી કકળી ઉઠે છે.

  • સ્વામીએ ગુગલી બોલ નાખ્યો છે, તેમાં હું આઉટ થયો કે ન થયો કે પછી એક રન લેવો તેની ખબર પડી નથી – નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી
  • સંતવાણી | માંજલપુર આત્મીયધામમાં ટીમ વડોદરાના પ્રેઝન્ટેશનમાં વિકાસનું ફૂલગુલાબી ચિત્ર રજૂ થતાં સંત વ્યથિત

વિકાસની હરણફાળમાં વડોદરા અન્ય શહેરોથી પાછળ છે, તેવો અહેસાસ નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલી સભામાં કરાવાયો હતો. નીતિન પટેલની હાજરીમાં યોજાયેલા પ્રેઝન્ટેશન વેળા ગુરુપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે, અમદાવાદ અને સુરત જોતાં અંત:કરણથી રડવું આવે છે. વડોદરામાં પણ કંઈ વિકાસ થાય તો સારું.

પાલિકાની ચૂંટણીની મોસમ ચાલી રહી છે ત્યારે બુધવારે માંજલપુર ખાતે આત્મીયધામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. જેમાં ટીમ વડોદરા દ્વારા શહેરની વિકાસલક્ષી બાબતોનું પ્રેઝન્ટેશન કરાયું હતું. આ પ્રેઝન્ટેશન બાદ માંજલપુરના આત્મીયધામ ખાતે હરિધામ સોખડાના ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સાધુ-સંતોને ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈ પણ પક્ષ જોડે વ્યક્તિગત નાતો ન હોય તે ચોક્કસ છે. જોકે હરિપ્રસાદ સ્વામીજીએ આપણે હિન્દુ છીએ તે ભૂલવું ન જોઈએ તેવું શીખવાડ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતાની વાત છે અને ચૂંટણીમાં ઉમેદવાર જીતે છે તેને પૂજતા હોય અને જમાડીએ છીએ, વડોદરાના વિકાસલક્ષી પ્રેઝન્ટેશન મામલે તેમણે જણાવ્યું હતું કે, હું દિલની વાત કરું, વડોદરાના નાગરિક તરીકે વાત કરું, દીકરા તરીકે વાત કરું તો જો આ પ્રેઝન્ટેશન સાકાર થાય તો સારું. કારણ કે અમદાવાદ અને સુરતને જોતાં અંતઃકરણથી રડવું આવે છે.

સ્વામીજીએ કહ્યું છે કે, પોઝિટિવ જુઓ, પરંતુ વડોદરામાં કંઈ થાય અને વિકસિત બને તે જરૂરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રામાયણમાં સેતુ બાંધવા ખિસકોલીનું જે કાર્ય હતું તે કાર્ય અમે સરકાર તરીકે કરીએ છીએ, તેવો ઉલ્લેખ કરી ગુરુપ્રસાદ સ્વામીએ કરેલી વાતનો જવાબ આપતાં જણાવ્યું કે, ગુરુપ્રસાદ સ્વામીએ ગુગલી બોલ નાખ્યો છે, તેમાં હું આઉટ થયો કે ન થયો તેની ખબર નથી. મારે સિક્સ મારવી, ફોર મારવી કે કટ મારી એક રન લેવો તેની ખબર નથી, પણ એક વાક્યમાં કહી દો તો મને કહેવાયું કે, તમને ક્લીન બોલ્ડ કરાયા છે. 25 વર્ષ પહેલાં વડોદરા કેવું હતું તે બધાને ખબર જ છે અને ગોકુળગામથી સ્માર્ટ સિટી સુધીની સફરમાં 10 વર્ષ અગાઉ આંગળીના વેઢે ગણાય તેટલા ફ્લાયઓવર હતા અને આજે ઘણા બધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *