સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગરમાં બારે મેઘ ખાંગા:રસ્તાઓ જળબંબાકાર.
રાજકોટ/જામનગર/મોરબી/જૂનાગઢ:હવામાન વિભાગના ભારતમાં આ વર્ષનો સૌથી વધુ વરસાદની ખેંચ ગુજરાતમાં નોંધાઈ છે, પરંતુ રાજ્યના જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘ અનરાધાર વરસી રહ્યો છે. જેના પગલે જિલ્લાના આઠ ડેમ છલકાયા છે. સપડા, રણજીતસાગર, ફૂલજર, ફૂલજર-૧, કંકાવટી, વોડીસાંગ, રૂપાવટી, રૂપારેલ અને વાગડિયા ડેમ ઓવરફલો થઈ રહ્યા છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડી જતા, જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. તેમજ અનેક ગામોમાં ભારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારો અસરગ્રસ્ત છે અને ચારથી પાંચ ફૂટ જેટલા મકાનોમાં પાણી ભરાયા છે.
જ્યારે રાજકોટ ના ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે. રાજકોટના રૈયા રોડ, અને અન્ય નીચાણ વાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. આ ઉપરાંત મોરબી, જૂનાગઢ સહિત અનેક સ્થળોએ વરસાદ તુટી પડયો છે.
રણજીતસાગર ડેમ
જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર સહિતના અનેક ડેમો નવા નીર આવતા પાણીથી ઓવેરફ્લો થયા છે, ત્યારે અમુક ગામડાઓ બેટમાં ફેરવાતા લોકો આશરો લેવા માટે મકાનની અગાસી પર ચડ્યા છે.
જામનગરના મોટી બાણુગર ગામે અનરાધાર 15 ઈંચથી વધુ વરસાદ વરસ્યો અને આલિયા ગામ બેટમાં ફેરવતા ફાયર રેસ્કયું ટીમ રવાના કરાઇ છે.
આ સાથે જ રાજકોટ ને જોડતો હાઈ વે પર પણ પાણી જોવા મળતા વાહનોના ખડકલા જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે રાજકોટના પડધરી પાસે આવેલ આજી ત્રણ ડેમ ઓવરફલો થતા ધ્રોલ અને જોડિયા તાલુકાના નીચાણ વાળા ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે.
ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા ત્રણ ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ તથા સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડાવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.