તહેવારોમાં ધ્યાન નહિ રાખો તો ડિસેમ્બર સુધીમાં ફરી ઘરે બેસી રહેવું પડશે.
આરોગ્ય મંત્રાલય તરફથી કોરોનાને લઇને રોજ માહિતી આપવામાં આવે છે. ભારતમાં કોરોનાની (Corona) સ્થિતિ વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કેરળમાં કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના દૈનિક કેસના 68 ટકા કેસ હજુ પણ કેરળના છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કેરળમાં 1.99 લાખથી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે પાંચ રાજ્યો, મિઝોરમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 10,000 થી વધુ એક્ટિવ કેસ છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે કહ્યું કે, કેરળમાં સંક્રમણના કેસો ઘટી રહ્યા છે. અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં કેસોમાં ઘટાડો થશે. ત્રીજી લહેરના જોખમ વચ્ચે આગામી તહેવારોની સીઝનમાં પણ સાવચેત રહેવા પર ભાર મૂક્યો છે.
ડો.બલરામ ભાર્ગવે કહ્યું, “તહેવારો નજીક આવી રહ્યા છે અને જે ભીડ થશે તે જોતા કોરોના વાયરસના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે.” આથી આપણે સૌએ સાવધાન રહેવાની ખાસ જરૂર છે.
તહેવારોની સીઝનમાં કેસ વધવાની સંભાવના
નીતિ આયોગના સભ્ય અને નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડો.વી.કે.પોલે તહેવારોની સિઝનમાં કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી હતી. ડોક્ટર વીકે પોલે કહ્યું કે આવનારા બે-ત્રણ મહિના ભારત માટે ખાસ મહત્વના છે, આવી સ્થિતિમાં દેશમાં ક્યાંય પણ કોરોનાના કેસ ન વધે તેની ખાતરી કરવા માટે ખાસ ધ્યાન આપવું પડશે.
આ વર્ષના અંતમાં આજ સુધી કોરોના સંક્રમણ વધવાના જોખમનું મૂલ્યાંકન કરતાં ડૉક્ટર વી કે પોલે જણાવ્યું હતું કે, અંદાજ મુજબ ઓક્ટોબર અને નવેમ્બર સૌથી વધુ નિર્ણાયક મહિનાઓ છે અને તે મહિનાઓ દરમિયાન કોરોનાનું સંક્રમણ વધી શકે છે.