RSSના સર્વેમાં કોંગ્રેસને મળી રહ્યો છે વિજય, ભાજપને માંડ 80-84 બેઠકઃ હાર્દિક પટેલ
- હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું
નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર, 2021, રવિવાર
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક જ રાજીનામુ આપ્યું ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, 15 મહિના બાદ યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને 43 ટકા મત મળી રહ્યા છે અને 96-100 બેઠકો મળી રહી છે. જ્યારે ભાજપને 38 ટકા મત અને 80-84 બેઠક મળી રહી છે. આપને 3 ટકા અને મીમને 1 ટકા મત મળી રહ્યા છે.
જનતાને ગુમરાહ કરવા રાજીનામુ
હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું છે. ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં અસફળ રહ્યું છે. ઓક્સિજનની તંગી, લોકોના મોત, સ્મશાનોની તસવીરોથી જનતા નારાજ છે. અસલી પરિવર્તન આગામી વર્ષે ચૂંટણીઓ બાદ આવશે જ્યારે જનતા ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે.
સીએમની રેસમાં 4 નામ
વિજય રૂપાણીના અચનાક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. નવું મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ વિવિધ પ્રકારની અટકળો થઈ રહી છે. હાલ આગામી મુખ્યમંત્રીની રેસમાં 4 નામ સામેલ છે. તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ કૃષિમંત્રી આરસી ફળદુ અને પુરૂષોત્તમ રૂપાલાનું નામ સૌથી આગળ હતું, પરંતુ ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં સહુ કોઈ મોદી સરપ્રાઇઝ ફેક્ટર ની ચર્ચા કરતા થઈ ગયા