બેઠક તો ઔપચારિકતા હતી,મધરાતે જ નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરી દેવાયું હતું: ભાજપના કાર્યકર્તાઓ માં ચર્ચા
કેન્દ્રીય નિરીક્ષકો દિલ્હીથી કવર લઇને આવ્યાં
ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની ઘોષણા કરાતા સિનિયર મંત્રી-નેતાઓ અવાચક
અમદાવાદ : રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રીપદે કોને બિરાજમાન કરવા તે અંગેનો નિર્ણય દિલ્હીમાં લેવાયો હતો. એટલું જ નહીં, શનિવારની મધરાતે જ મુખ્યમંત્રીનુ નામ નક્કી કરી દેવાયુ હતું.
ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા ભાજપ હાઇકમાન્ડે કેન્દ્રીય નીરિક્ષક તરીકે નરેન્દ્રસિંહ તોમર અને પ્રફુલ્લ જોષીને તાબડતોબ ગાંધીનગર મોકલ્યા હતાં. સૂત્રોના મતે, બને નીરીક્ષકો દિલ્હીથી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ સાથેનુ કવર લઇને આવ્યા હતાં. ધારાસભ્યોની બેઠક તો માત્ર ઔપચારિક જ મળી હતી જેમાં વિજય રૂપાણીએ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનુ નામ જાહેર કર્યુ હતું.
મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, આર.સી.ફળદુ, સી.આર.પાટીલ, પુરષોતમત રૂપાલા, મનસુખ માંડવિયા, પ્રફુલ પટેલ જેવા ધૂરંધરોના નામ ચાલી રહ્યા હતાં ત્યારે અચાનક પહેલી ટર્મમાં ચૂંટાનારા જુનિયર કહી શકાય તેવા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની ઘોષણા થતા જ સિનિયર મંત્રી, નેતાઓના અવાચક બની ગયા હતાં.
દિવસનો ઘટનાક્રમ
સવારે 9:06 : કેન્દ્રિય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન.
: સવારે 10:18 : વિજય રૂપાણી બોડકદેવ ખાતે બહેનની દીકરીને પારણા કરાવવા પહોંચ્યા.
સવારે 11:20 : કેસરિયા ગુલદસ્તા કમલમ્માં આવવાનું શરૂ.
બપોરે 12:35 : યોગ્ય સમયે મુખ્યમંત્રીની જાહેરાત થશે : નીતિન પટેલ
બપોરે 12:54 : કેન્દ્રિય નિરીક્ષક કમલમ્ પહોંચ્યા.
બપોરે 1:32 : સી.આર. પાટીલ, નીતિન પટેલ અને ત્યારબાદ વિજય રૂપાણી કમલમ્ ખાતે પહોંચ્યા.
બપોરે 3:33 : કમલમ્ ખાતે ધારાસભ્યો અઇને સાંસદો, કેન્દ્રિય નિરીક્ષકોની બેઠકનો ધમધમાટ શરૂ.
3:50 : ધારાસભ્યોની બેઠકમાં પુરૂષોત્તમ રૂપાલાનું સંબોધન.
3:53 : નરેન્દ્ર તોમરનું સંબોધન.
4:00 : વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો.
4:32 : વિજય રૂપાણીનું સંબોધન.
5:17 : ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયે કાર્યકરોનો જમાવડો.
5:26 : મુખ્યમંત્રી જાહેર થયા બાદ ભૂપેન્દ્ર પટેલની સૌપ્રથમ પત્રકાર પરિષદ.
5:55 : ભૂપેન્દ્ર પટેલને ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા શુભેચ્છા પાઠવાઇ.
6:24 : ભૂપેન્દ્ર પટેલ કમલમ્થી જ રાજભવન પહોંચ્યા.
7:02 : ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર દર્શન કરવા માટે પહોંચ્યા.
7:53 : જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા જ્યાં સાંજની આરતી ઉતારીને ભગવાન જગન્નાથના આશિર્વાદ લીધા.