ભારે વરસાદને પગલે ગુજરાતના ૧૪૦ માર્ગો બંધ: એસટી બસ સેવાઓ બંધ.

હાલમાં મેઘરાજાએ જે પ્રમાણે બેટિંગ કરી છે એ જોતા લાગે છે કે ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે. ત્યારે એવામાં હજુ પણ 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વળી જે પ્રમાણે મેઘો મંડાયો છે એ પ્રમાણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.

ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. શાહીન વાવાઝોડુ પણ સક્રીય બન્યુ છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ 140 રસ્તાઓ બંધ છે. વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 30 એસટીના રૂટ બંધ કરાયા છે.

તો જૂનાગઢમાં 26 ST રૂટ બંધ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં 10 રૂટ બંધ કરી દેવાયા છે. રાજ્ય સરકારે આ એસટી રૂટ બંધ કરતા એક કરોડથી પણ વધુ આવક ગુમાવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. તો વળી સાથે જ સામે આવી રહ્યું છે કે ભારે વરસાદથી રાજ્યના 57 ગામમાં વીજળી ગુલ થઈ છે. તેમજ 630 ફીડર, વીજળીના 2056 થાંભલાને પણ અસર પહોંચી છે. જો કે રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રસ્તા વિશે વધારે માહિતી મળી રહી છે કે 14 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકનાં 112 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

તો જામનગરમા 1 નેશનલ હાઈવે પણ બંધ કરાયો છે. વરસાદના કારણે 81 રૂટ પર STની 213 ટ્રીપ રદ્દ કરી દેવામાં આવી છે. તો વળી ગઈ કાલની વાત કરવામાં આવે તો 29 તારીખે ગુજરાતમાં અમદાવાદ, સુરત તથા રાજકોટ સહિત 20 જિલ્લામાં 207 રસ્તા ભારે વરસાદને પગલે રસ્તા પાણીમાં ડૂબી જવાથી અથવા તો ધોવાઈ જતાં બંધ કરવા પડ્યા હતા, જેમાં 6 સ્ટેટ હાઈવે, 197 પંચાયત રોડ તથા 1 નેશનલ હાઈવેનો સમાવેશ છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 40 માર્ગ તથા સુરતમાં 37, નવસારીમાં 24 અને ડાંગમાં 20 રસ્તાઓ બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *