પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ડભોઇનાં પૂર્વ ધારાસભ્ય સહિત 40ને ભાજપમાંથી હાંકી કઢાયા.
વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ(ઢોલાર) સહિત 40 હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, સક્રિય સભ્યો અને પ્રાથમિક સભ્યોને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યાં છે. જેને પગલે વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરતી વખતે ટિકિટોને લઇને ઘમાસાણ મચ્યું હતું. ટિકિટના મુદે ભાજપમાં 3 તાલુકામાં બળવો થયો હતો. ડભોઇ ભાજપના પૂર્વ ધારાસભ્ય ઢોલારે બળવો પોકાર્યો હતો. જેને લઈને ભાજપે તેમને સસ્પેન્ડ કર્યાં છે.
પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી કરી
ગત વિધાનસભાની ચૂંટણી બાદ કોરણે મુકાઈ ગયેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)એ પુત્ર સહજાનંદ પટેલની ભાજપમાંથી ટિકિટ માંગી હતી. જે નહી મળતાં પિતાએ પુત્રને ડભોઈની સીમલિયા જિલ્લા પંચાયતની બેઠક પર અપક્ષ ફોર્મ ભરાવડાવ્યું હતું. આ ઉપરાંત ઢોલારે સીમલીયા 4 તાલુકા પંચાયત બેઠકો માટે 4 અપક્ષ ઉમેદવારો પણ ઉભા કરતા રાજકારણ ગરમાયું હતું. બાલકૃષ્ણ ઢોલાર હાલ કોઈ સંગઠનનો હોદ્દો ધરાવતા નહોતા, જેથી તેમને પોતાના પુત્ર માટે પણસોલી બેઠક ઉપર જિલ્લા પંચાયતની ટિકિટ ભાજપ પાસેથી માગી હતી, પરંતું, પક્ષે તેમના પુત્રની ટિકિટ કાપી હતી.
ભાજપના ઉમેદવારો સામે ઉમેદવારી કરાવવા બદલ હોદ્દેદારો સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે ઉમેદવારી કરાવવા બદલ ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ(ઢોલાર) ઉપરાંત પાદરાના જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી લાલજી રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાદરાના નગર યુવા મોરચાના મંત્રી પ્રિતેશ રબારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.