ધાંગ્રધાના દુદાપુર ગામે બે વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું. આર્મી એ રેસ્ક્યું કર્યું

તાજેતરમાં સુરેન્દ્રનગરના દુદાપૂર ગામમાં બે થી અઢી વર્ષનું બાળક બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવી છે. જેમાં વાડીમાં કામ કરતાં પિતાનું બાળક રમતા-રમતા બોરવેલમાં પડી ગયું હતું. આ બનાવની જાણ થતાં જ ધાંગ્રધ્રા પ્રાંત અધિકારી સહિત ફાયરબ્રિગેડ અને પોલીસ ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા આર્મીની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બાળકનું સફળ રેસ્ક્યુ કર્યુ હતું. હાલ બાળકને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

ફાયરબ્રિગેડ, ધાંગ્રધ્રા પ્રાંત અધિકારી, પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા દુદાપૂર ગામની સીમમાં એક વાડીની અંદર બે થી અઢી વર્ષનું બાળક બોરવેલમાં પડી જવાની ઘટના બની હતી. વાડીમાં કામ કરી રહેલા પરિવારનું આ બાળક રમતા રમતા બોરમાં પડી જતા લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામતલદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહત્વનું છે કે આ અંગે તંત્ર દ્વારા અમદાવાદ એનડીઆરએફની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. એટલું જ નહીં પોલીસ તંત્ર દ્વારા આ મામલે ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને માત્ર 40 મિનિટમાં બાળકનો રેસ્કુય કર્યો
ધ્રાંગધ્રા આર્મી દ્વારા ઘટના સ્થળે આવીને તાત્કાલિક બાળકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. નોંધનીય છે કે 40 મિનિટ જેટલા જ સમયમાં આર્મીની ટીમે બાળકને રેસ્ક્યુ કરીને બોરની બહાર જીવીત કાઢ્યું હતું. બાળકને બોરની બહાર કાઢતાની સાથે જ તાત્કાલિક ધોરણે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. જ્યાં બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી એમ.પી.પટેલે જણાવ્યું હતું કે, ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે ઘ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામે વાડી વિસ્તારમાં કામ કરતાં વ્યક્તિનું અંદાજીત 2 વર્ષનું બાળક બોરવેલમાં ફસાઈ જવાના સમાચાર મળતા અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ તાત્કાલિક અસરથી જિલ્લા વહીવટ તંત્ર, આર્મી જવાન અને પોલીસ તંત્રની મદદથી આ બાળકનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી છે.

આ વિશે વધુમાં માહિતી આપતા ધ્રાંગધ્રા તાલુકાના ઈન્ચાર્જ એએસપી શિવમ વર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો એમ્બ્યુલન્સને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. અને ત્યાર બાદ રેવન્યુ સ્ટાફ, મામલતદાર, કલેક્ટર વગેરેને જાણ કરવામાં આવી હતી. જે બાદ એનડીઆરએફની એક ટીમ અમદાવાદથી ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ હતી. અહિંયા આર્મી પણ નજીકમાં હતી. જેથી અમે આર્મી કર્નલને ફોનથી આ અંગે જાણ કરી હતી. અને તેઓએ તાત્કાલિક પોતાની એક ટીમ ઘટના સ્થળે મદદ માટે મોકલી આપી હતી. જે બાદ આર્મીની ટીમે ખૂબ જ સાવચેતી પૂર્વક દોરડાની મદદથી બાળકને બોરમાંથી બહાર કાઢ્યુ હતું. હાલ બાળકને ધ્રાંગધ્રા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *