WHOની ચેતવણી બાદ પ્રધાનમંત્રી મોદીએ ઓમીક્રોન વેરિયન્ટ બાબતે આપતકાલીન બેઠક બોલાવી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ને ઓમિક્રોનનું ગ્રહણ નડે તેવી ચર્ચા.
કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યા બાદ દુનિયાનુ ટેન્શન વધી ગયુ છે. નવા વેરિએન્ટને WHO દ્વારા ઓમીક્રોન નામ અપાયુ છે.આ અંગે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપતકાલીન બેઠક બોલાવી હતી તો બીજી બાજુ આ નવા વરિયન્ટને કારણે વાયબ્રન્ટ ગુજરાત 2022ને પણ ગ્રહણ લાગે તેવી ચર્ચાઓ છે. આ અંગે ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર વાઇબ્રન્ટ સમિટમાં અમુક દેશો ભાગ ના લે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.
ઝડપથી પોતાનુ સ્વરુપ બદલતા આ વેરિએન્ટના કારણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની બેઠક પણ રદ કરવામાં આવી છે.બીજી તરફ ઘણા દેશોએ આ વેરિએન્ટના કારણે નવેસરથી હવાઈ મુસાફરીના પ્રતિબંધો લાગુ કરી દીધા છે.અમેરિકાની સાથે સાથે યુરોપના દેશોએ પણ દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઈટસ પર પ્રતિબંધ મુકયો છે.આફ્રિકાના દેશોમાંથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત કરાયુ છે.કેનેડાએ તો છેલ્લા બે સપ્તાહમાં જેટલા પણ મુસાફરો આફ્રિકાથી આવ્યા છે તેમના કોરોના ટેસ્ટ કરાવવાની જાહેરાત કરી છે.
કોરોના વાયરસના નવા વેરિએન્ટના પગલે ભારતે પણ સતર્કતા બતાવીને બ્રિટેન, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, બોત્સવાના, ઝિમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, હોંગકોંગ તેમજ ઈઝરાયેલનો જોખમવાળા દેશોમાં સમાવેશ કર્યો છે.આ દેશમાંથી આવતા લોકોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન ભારત સરકાર દ્વારા વિવિધ દેશો સાથે હવાઈ સેવા શરુ કરવાની તૈયારીઓ થઈ રહી છે.બીજી તરફ પીએમ મોદીએ નવા વેરિએન્ટને લઈને એક ઈમરજન્સી બેઠક પણ આજે બોલાવી છે.