ગુજરાતમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે: સમયમાં છૂટછાટ

ગુજરાતમાં હજી પણ રાત્રિ કરફ્યુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય માં સમયની છૂટ છાટ આપવામાં આવી છે.

હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પણ તેમાં મોટી રાહત આપવામાં આવી છે. સરકારે કેટલાક નિયત્રણોમાં આંશિક છૂટછાટ આપી છે. હવે રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. નવા કોરોના વેરિયન્ટ ઓમિક્રૉનના કારણે આ રાત્રિ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ફક્ત 4 કલાક પૂરતું જ રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખી કોરોના નિયંત્રણો હળવા કરવા માટે વિચારણા કરી છે.

આ પહેલા સિનેમા હૉલ અને સ્પા સેન્ટરમાં આપી હતી છૂટછાટ
ગત 30 ઓક્ટોબરે જાહેર કરેલી માર્ગદર્શિકામાં સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. લાંબા સમય બાદ સ્પા સેન્ટર ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી સ્પા સેન્ટર ખુલ્લા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ સ્પા માલિક સહિત કર્મચારીઓ તેમજ સ્પામાં આવનાર ગ્રાહકે કોરોના રસી લીધેલી હોવી ફરજિયાત રાખવામાં આવી છે.

WHO એ જાહેર કરી ચિંતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં ખતરાને ખૂબ જ ગંભીર શ્રેણીમાં રાખ્યું છે અને WHO એ કહ્યું છે કે આ સંક્રમણ હવે આખી દુનિયામાં ખૂબ જ તેજીથી ફેલાઈ શકે છે. આ સિવાય અનેક વિસ્તારોમાં આ નવા વેરિયન્ટથી તબાહી પણ આવી શકે છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 13 દેશોમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ સામે આવી ચૂક્યા છે, એવામાં ભારત આફ્રિકાના દેશોમાં વેક્સિન સહિતની મદદ કરવા માટે આગળ આવ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ ગાઈડલાઇન લંબાવી
ભારતમા કોરોના વાયરસને લઈને ફરીવાર ચિંતા વધી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ચિંતા વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટનાં કારણે પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે ભારતમા પણ કોરોના વાયરસને લઈને હાલમાં લાગુ ગાઈડલાઇનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમા કોરોના વાયરસથી બચવા માટે 21મી સપ્ટેમ્બરથી લાગુ એડવાઇઝરીને જ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને કડકાઇ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન: ભારતમા ઓમિક્રૉનનો એક પણ કેસ નહીં
કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મોટું નિવેદન આપ્યું છે. સંસદનાં શિયાળુ સત્રમાં સ્વાસ્થ્યમંત્રીએ એલાન કર્યું છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે ઓમિક્રૉનને લઈને નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું કે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ દુનિયભરનાં 14 દેશોમાં ફેલાયો છે પરંતુ ભારતમા હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. જૉ કોઈ એવો સંદેશ પ્રાપ્ત થાય કે કોઈ વ્યક્તિમાં ખતરો છે તો તેની તરત જ તપાસ કરવામાં આવશે અને હાલમાં જીનોમ સિક્વેન્સીંગ પણ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *