Red Alert: ગુજરાતના અનેક ભાગો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ.
છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે હવે આફત ઊભી થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ અરજ કરી રહ્યા છે કે, મેઘરાજા હવે ખમૈયા કરો. એક જ દિવસમાં આખા વર્ષનું પાણી મેઘારાજા એ ઠાલવી દીધું છે. જો કે આ વરસાદ રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર આખા માટે આફત બન્યો હોય તેવી રીતે હજુ અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આવતીકાલે ફરી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને આખા સૌરાષ્ટ્ર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યાનું જાણવા મળી રહ્યું છે. આ વિષય પર ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, મંગળવારે સૌરાષ્ટ્રમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે સવારથી જ વરસાદના જોરમાં વધારો થવાની સંભાવના છે. જેને પગલે ભારે વરસાદ પડી શકે છે. તેથી ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે સૌરાષ્ટ્રના અનેક શહેરો-તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. એટલા માટે હવે આવનારો એક ઈંચ વરસાદ પણ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે, અનેક વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વરસાદને પગલે સરકાર તરફથી યુદ્ધના ધોરણે સર્વે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે મંગળવારે સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ સૌરાષ્ટ્રમાં પડવાનો હોવાથી લોકોએ એલર્ટ રહેવું અનિવાર્ય છે. જામનગરના સ્મશાનમાં પાણી પાણી સોમવારે એક જ દિવસમાં રાજકોટમાં 18 ઈંચ તો લોધીકામાં 25 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આવી જ રીતે જામનગર જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળી નાખ્યું હોય એમ તમામ વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે સવારથી વાતાવરણ ધૂપ-છાંવભર્યું જોવા મળી રહ્યું છે. બપોરે 12 વાગ્યા આસપાસ રાજકોટમાં વરસાદનું જોરદાર ઝાપટું પડી ગયા બાદ બપોરે 2 વાગ્યાથી તડકો નીકળતાં લોકો રાહતનો શ્વાસ લીધો હતો.