બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!
ભાદરવી પૂનમ પર યાત્રાધામ અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને અંબાજી આવતા માઈભક્તોમાં આનંદ છવાઈ ગયો છે.
ભક્તોના અવિરત પ્રવાહને લઈને તંત્ર દ્વારા અંબાજી મંદિર ભાદરવી પૂનમ સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર વહેલી સવાર 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અંબાજીમાં ભક્તોના અવિરત પ્રવાહને લઈને તંત્ર દ્વારા ભોજન અને આરોગ્ય સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે આવતા યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ભોજન અને આરોગ્ય વ્યવસ્થા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં કોરોનાની ગાઈડલાઇનને અનુસરી સેનેટાઈઝર, માસ્ક સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
અંબાજીમાં યાત્રિકોને લાવવા લઇ જવા માટે 100 જેટલી એસટી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સુરક્ષાને લઇને પોલીસ વિભાગ દ્વારા અંબાજીમાં 5 હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. માઈ ભક્તોના માતાજીના પ્રસાદ માટે પણ 9 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. યાત્રિકોની સેવા માટે 10 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે. જ્યારે યાત્રિકોને રેલીંગમાં પણ પાણી માટેની સગવડ કરાઈ છે.
અંબાજી મંદિરને ખૂલ્લા રાખવાના તંત્રના નિર્ણયથી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઘણા દિવસોથી યાત્રિકો અંબાજી મંદિરને લઇ રાહ જોઈ રહ્યા હતા કે મેળો યોજાશે કે નહિ તેને લઇ અસમંજસ હતી. જોકે હવે મંદિર ખૂલ્લું રાખવાના નિર્ણયથી ભક્તોમાં આનંદ છવાયો છે.
જોકે હજી આ બાબતે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.