ગુજરાતમાં ફેરફાર બાદ સિનિયર નેતાઓમાં ભારે નારાજગી: પાટીલ – પટેલ કોમ્બો નો વિરોધ.
ગુજરાતના રાજકારણમાં ક્ષણે ક્ષણે નવી અપડેટ આવતી રહે છે. જેના માટે ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ત્યારે હાલમાં હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે. આમ જોવા જઈએ તો, જ્યારથી ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલને બનાવ્યા છે અને વિજય રૂપાણીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારથી આંતરિક ડખ્ખાઓ તો શરૂ થઈ ગયા છે. પણ તે જગજાહેર થતાં નથી. આ બાજૂ આજે ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની પણ જાહેરાત થવાની છે એટલે કે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની જાહેરાત થશે. ત્યારે એક એવી પણ હવા ફેલાઈ છે કે આ મંત્રીમંડળમાં યુવાન ચહેરાઓને વધારે તક આપવામાં આવશે અને જૂના જોગીએ પડતા મુકાશે, કેટલાયના પ્રમોશન થવાના છે, તો કેટલાયને ઘરભેગા કરવાના છે તેવી પણ વાતો ચાલી રહી છે.
આ બાજૂ રૂપાણી સરકારમાં ડેપ્યુટી સીએમ રહેલા નીતિન પટેલને સૌથી વધારે લોસ ગયો હોવાનું માનવામાં આવે છે. સો. મીડિયા પર તો ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા એના કરતા નીતિન પટેલનું વજન ઓછુ કરી નાખ્યું તેની ચર્ચાઓ વધારે ચગી છે. હાલમાં ગત રોજ એક મોટી ઘટના ઘટી ગઈ. જે અંતર્ગત નીતિન પટેલ સખ્ખત નારાજ હોવાનું સામે આવ્યુ છે.
નીતિન પટેલ એકલા જ આવા નેતા નથી, જે આ નવી ઈનિંગ્સથી નારાજ હોય તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા પણ શામેલ છે. આ જૂના જોગીઓની નારાજગીને દૂર કરવા માટે રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી ભારે મહેનત કરવી પડી હતી. આ બાજૂ નારાજ થયેલા નીતિન પટેલ ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની પડખે થયા હતા. ગત રોજ તેમણે શંકર સિંહ વાઘેલા સાથે મુલાકાત પણ કરી હતી.
નીતિન પેટલ સાથે અન્યાય થયો હોવાની ચર્ચાઓ જોર પકડતા આખરે નીતિન પટેલ શંકર સિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હોવાની એક ચર્ચાએ જોર પકડી છે. મંગળવારે મોડી રાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોઈ અજાણ્યા સ્થળે મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બંને નેતા વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યુ છે. આ વાતની ભાજપના કેટલાય મોટા નેતાઓને ખબર પડતા મોડી રાતે દોડાદોડી થઈ હતી. ભાજપના અમુક નેતાઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આપને જણાવી દઈએ કે, નીતિન પટેલ વર્ષોથી ભાજપ પક્ષને વફાદાર રહેલા નેતા છે. ત્યારે આ મુલાકાતને લઈને કેટલાય તર્ક વિતર્કો સેવાઈ રહ્યા છે.